ફ્રોડને કારણે અમેરિકાએ ભારતમાં 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી
ફ્રોડને કારણે અમેરિકાએ ભારતમાં 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી
Blog Article
ભારતમાં યુએસ દૂતાવાસે છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓને કારણે 2,000થી વધુ વિઝા અરજીઓ બુધવારે કેન્સલ કરી હતી. દૂતાવાસે “ખરાબ વ્યક્તિઓ” અથવા બોટ્સ દ્વારા નિમણૂક પ્રણાલીમાં મોટા ઉલ્લંઘનો શોધી કાઢ્યા હતાં અને તેમના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા હતા.
અમેરિકાએ આને શેડ્યુલિંગ નીતિઓનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. US દૂતાવાસે X પર જણાવ્યું હતું કે, એજન્ટો અને વચેટિયાઓ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ પ્રત્યે અમે ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ ધરાવીએ છીએ. અમે આ એપોઇન્ટમેન્ટ રદ કરી રહ્યા છીએ અને લિંક્ડ એકાઉન્ટ્સ માટે શેડ્યૂલિંગ સર્વિસિસ સ્થગિત કરી રહ્યા છીએ.
ભૂતકાળમાં યુએસ વિઝા એપોઇન્ટમેન્ટ મેળવવાની પ્રક્રિયામાં મોટા પાયે છેતરપિંડીના અહેવાલો આવ્યા છે. સામાન્ય નાગરિકો માટે સમયસર એપોઇન્ટમેન્ટ મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, જ્યારે એજન્ટોને મોટી રકમ ચૂકવવા પર વહેલી તારીખ મળે છે. નામ ન આપવાની શરતે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા બાળકના યુએસ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે વિઝા ઇન્ટરવ્યૂની તારીખ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સ્લોટ ઉપલબ્ધ નહોતા. આખરે, અમારે એક એજન્ટને રૂ.30,000 ચૂકવવા પડ્યા અને તાત્કાલિક એપોઇન્ટમેન્ટ મળી ગઈ.’
હાલમાં યુએસ બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા (B1/B2) માટે એપોઇન્ટમેન્ટ મેળવવામાં છ મહિનાથી વધુ સમય લાગી રહ્યો છે. પરંતુ એજન્ટોને ~30,000થી 35,000 ચૂકવીને ફક્ત એક મહિનામાં જ એપોઇન્ટમેન્ટ મેળવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્ટો બોટ્સનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં સ્લોટ બુક કરે છે, જેના કારણે સામાન્ય લોકોને સ્લોટ મળતા નથી.